Home News ઝૂંપડપટ્ટી દૂર કરી સરકાર એક કાંકરે બે પક્ષી મારશે,ચાલીઓને રીડેવલપ કરીને...

ઝૂંપડપટ્ટી દૂર કરી સરકાર એક કાંકરે બે પક્ષી મારશે,ચાલીઓને રીડેવલપ કરીને બિલ્ડરોને કરાવશે ફાયદો તો ઝુપડપટ્ટીના ગરીબોને મળશે આવાસ

કીમતી જમીનો પરથી કબજો હટશે અને જરૂરિયાતમંદોને મકાન મળશે
બિલ્ડરો-ડેવલપર્સને ત્રણથી સાડા ત્રણ એફએસઆઇનો લાભ મળશે

Face Of Nation:ગાંધીનગર: અમદાવાદ સહિતના મહાનગરોની ખાનગી જમીનો પરની ઝૂંપડપટ્ટી અને ચાલીઓને દૂર કરવા રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવી નીતિ જાહેર કરશે. આ નીતિને કારણે સરકાર કીમતી જમીનો પરનો કબજો છોડાવશે. આ સાથે જરૂરિયાતમંદ પરિવારોને અદ્યતન સુવિધાવાળા રહેઠાણ મળશે. જોકે આ નીતિથી બિલ્ડરોના હાથમાં કીમતી જમીનને રીડેલપ કરવાની તક મળશે.

બિલ્ડરો-ડેવલપર્સને ત્રણથી સાડા ત્રણ એફએસઆઇનો લાભ મળશે: આ માટે બિલ્ડરો અને ડેવલપર્સને ત્રણથી સાડા ત્રણ એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)નો લાભ આપવાનું સરકાર વિચારી રહી છે. રીડેવલપ થયાં બાદ બાકીની ખુલ્લી થતી જમીનો તેના મૂળભૂત કબજેદાર પોતાની મરજી મુજબ કરી શકે છે. આગામી વિધાનસભા સત્રમાં આ નીતિની જાહેરાત કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ નીતિમાં રહેણાંકના દબાણ ધરાવતાં પરિવારોની સંમતિ લેવાની રહેશે, પરંતુ માત્ર 50 કે 60 ટકા પરિવારો સંમતિ આપે તો પણ સમગ્ર જમીન રીડેવલપમેન્ટ માટે જશે.

ઝૂંપડપટ્ટી કે ચાલીઓમાં રહેનારા લોકોને મકાન માલિકી પ્રાપ્ત થશે: આ ઉપરાંત જો રહેવાસીઓની મંજૂરી હોય તો તેમના માટેના નવાં મકાનો મૂળભૂત સ્થાનેથી અલગ જગ્યાએ વિકસાવી શકાશે. જો જમીન માલિક પોતે જ રી-ડેવલપ કરવા ન માગે તો તે ખાનગી ડેવલપરને પોતાની પસંદગી પ્રમાણે આ માટે નિયુક્ત કરી શકે છે. આ માટે રી-ડેવલપ થનારાં મકાનને પીએમ આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે અને તે માટેના લાભો પણ હાલ આ જમીનો પર રહેણાંક ધરાવતાં કુટુંબને આપવાના રહેશે. હાલ આ ઝૂંપડપટ્ટીઓ કે ચાલીઓમાં રહેનારા લોકોને તૈયાર થનારાં મકાન પર પંદર વર્ષ સુધી લીઝ હોલ્ડના હક મળશે અને ત્યારબાદ મકાનની માલિકી પ્રાપ્ત થશે.

કઇ કઇ જમીનો ખાલી થઈ શકે છે: હાલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવાં મહાનગરોમાં ખાનગી જમીનો પર ઝૂંપડપટ્ટીઓ વસી ગઇ છે. આ જમીનોનો કબજો ખાલી ન થતો હોય તેવા કિસ્સામાં જમીનમાલિકોને આ લાભ મળશે. આ ઉપરાંત અમદાવાદમાં જે-તે સમયે ચાલતી મિલોના મજૂરો માટે બનાવાયેલી 700 જેટલી ચાલીઓ પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે.