કરજણ ડેમના હાઇદ્રોપાવર સ્ટેશનમાં 450 કયુસેક પાણી છોડી વીજળી ઉત્પાદન કરાઇ રહ્યું છે.ડેમમાંથી 50 MCM જેટલું પાણી અત્યાર સુધીમાં છોડાયું છે.
Face Of Nation:અમાસ અને પૂનમના દિવસોમાં નદીમાં પાણી છોડાઇ છે : પાવરહાઉસ એસ્કેપનો ઉપયોગ કરી પાણી નદીમાં છોડવામાં આવે છે
કરજણ ડેમ હાલ 31.96% ભરેલો : ડેમની સપાટી 97.93 મીટર
રાજપીપળાઃ ભરૂચના કાંઠે સુકીભઠ બનેલી નર્મદા નદીને જીવંત કરવા ગોડબોલે ગેટ ઉપરાંત કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમમાંથી પણ અમાસ અને પૂનમના દિવસોની આસપાસ પાણી નદીમાં છોડવામાં આવે છે તેમ છતાં નદીની સ્થિતિમાં કોઇ ફરક પડયો નથી. અત્યાર સુધી કરજણ ડેમમાંથી 50 એમસીએમ કરતાં વધારે પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. પાવર હાઉસ એસ્કેપનો વપરાશ કરી અત્યારે પણ 450 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે.
નર્મદા નદીમાં વધી રહેલી ખારાશને ઓછી કરવા ગત મહિનાથી નર્મદા ડેમના ગોડબોલે ગેટમાંથી 600ના બદલે 1,500 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. આ પહેલા કરજણ ડેમમાંથી અમાસ અને પૂનમના દિવસોની આસપાસ 500 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદા મૈયાને જીવંત રાખવા કરજણ ડેમમાંથી 50 એમસીએમ જેટલું પાણી અત્યાર સુધીમાં છોડવામાં આવ્યું છે. ડેમના દરવાજાથી નીચે પાણીની સપાટી જતી રહી હોવાના કારણે હાઈડ્રોપાવર થકી ડેમના એસ્કેપથી કરજણ નદીમાં પાણી છોડાઇ રહયું છે. કરજણ નદી ધાનપોર થી નર્મદા નદીમાં ભળે છે.
કરજણ ડેમ હાલ 31.96 ટકા ભરેલો છે અને પાણીનો સંગ્રહ 148.20 મિલિયન ક્યુબિક મીટર છે.ડેમની સપાટી 97.93 મીટર છે એટલે હાલ સપાટી ડેમના ગેટની નીચે છે એટલે ગેટ ખોલવામાં આવે તો પણ પાણી છોડાય નહિ તેવી પરિસ્થિતિ છે. પરંતુ સરકારની સૂચના હોવાથી કરજણ જળાશય વિભાગ દ્વારા ડાબા કાંઠામાં 450 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. આ પાણી હાઈડ્રોપાવરમાં ખર્ચ થાય જેનાથી 30 હજાર યુનિટ વીજળી ઉત્પાદન થાય છે. નર્મદા નદીમાં છોડવા માટે એસ્કેપ ખુલ્લું કરી નદીમાં છોડવામાં આવે છે.આખા ઉનાળામાં દર અમાસ, પૂનમ ના પાંચ પાંચ દિવસ એટલે મહિનામાં 10 દિવસ પાણી પાણી છેલ્લા પાંચ મહિનાથી છોડવામાં આવે છે. આખી સીઝનમાં 50 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી છોડ્યું છતાં પણ ભરૂચ સુધી પાણી પહોંચ્યું નથી.