વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી આવેલી સંપતરાવ કોલોનીમાંથી બી.આર.કન્સલ્ટન્ટ નામની ઓફિસમાંથી વડોદરા એસઓજીએ કેનેડા મોકલવાના નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં કેનેડા જવા ઇચ્છતા 150 જેટલા યુવાનો સાથે છેતરપિંડી થઇ હોવાનું ખુલ્યુ છે. પોલીસે આ કેસમાં મહેશ ખોડા રબારી અને ચિરાગ પદ્મકાંત ભટ્ટની નામના બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે દિલ્હીનો વિકાસ શર્મા નામનો ભેજાબાજ ફરાર થઇ ગયો છે.
એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.ચૌહાણને બાતમી મળી હતી કે, સંપતરાવ કોલોનીમાંથી બી.આર.કન્સલ્ટન્ટ નામની ઓફિસમાં કેનેડા મોકલવાના બહારે કૌભાંડ ચાલી રહ્યું છે. જેને આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી. જેમાં ઇ.ટી.એ.ના સ્ટીકર ભારતના નાગરિકો માટે માન્ય ન હોવા છતાં તેનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યુ હતું. અને ભેજાબાજો કેનેડા જવા ઇચ્છતા લોકો પાસેથી નોન રિફંડેબલ 25 હજાર રૂપિયા લેતા હતા. આ ઉપરાંત ઇ.ટી.એ. બતાવીને 2થી 5 લાખ રૂપિયા લેતા હતા. જોકે વડોદરા એસઓજીએ કેનેડાની એમ્બેસીમાં તપાસ કરાવતા બોગસ લોકો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેશ ખોડા રબારી અને ચિરાગ પદ્મકાંત ભટ્ટ સામે અગાઉ અમદાવાદના એલિસબ્રિજ અને ભરૂચમાં ગુના દાખલ થયેલા છે.