Home Gujarat ‘સી-ફોર્મ રિન્યુઅલ’ મુદ્દે 14 અને 15મીના રોજ ડોકટરો ભેગા થઈ કરશે હડતાળ,...

‘સી-ફોર્મ રિન્યુઅલ’ મુદ્દે 14 અને 15મીના રોજ ડોકટરો ભેગા થઈ કરશે હડતાળ, સાબરમતી રિવરફ્રન્ટ પર ધરણાં કરશે, ‘ફુટપાથ OPD’ જેવા કાર્યક્રમો યોજશે!

Face Of Nation 11-05-2022 : અમદાવાદ શહેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોકટરોએ અવારનવાર રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં છેવટે ડોકટરો હડતાળ કરશે. આ હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેના માટે ડોકટરોએ માફી પણ માગી છે. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, “ફુટપાથ ઓપીડી” જેવા કાર્યક્રમો યોજશે.
અમદાવાદમાં 50 હોસ્પિટલો બંધ થઈ જશે
AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે 2014 પહેલા જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગ બની તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે. મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે જે 400 હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવે. નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નસિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જો આ નિયમ રહેશે તો આગળ જતાં 900 હોસ્પિટલ બંધ થશે. એટલે કે 50 હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે.
બી.યુ. ની જરૂરિયાત ફક્ત અમદાવાદમાં જ ઉભી કરાઈ
AHNA ના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં એક સાથે ફોમ ‘સી’ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ 1959થી 2021 સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપતા આવ્યા છીએ અને તેમનું સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. 2021 ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરી દેવાયું છે. જેના કારણે આ ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન,સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફીકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી.આ ઉપરાંત બી.યુ. ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે.
સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવાયો
સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે. જેમાં પહેલા સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે. સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં. જેથી જો આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ રીતે સી ફોર્મ ઈશ્યુ કરાય છે
હોસ્પિટલ-નર્સિંગ હોમને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ-1949ની કલમ પાંચ હેઠળ નોંધણી કર્યા બાદ સી ફોર્મ ઈશ્યૂ કરાય છે. મ્યુનિ. એ જે તે સમયે આપેલી નોટિસમાં 42 હોસ્પિટલ-નર્સિંગ હોમના સી ફોર્મ રદ્દ કરવા નિર્ણય કર્યો હતો.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).